આયુર્વેદ

ગુડી પડવાને દિવસે લીમડાના પંચાંગને આરોગવાથી આરોગ્યમાં અનેરો ફાયદો
ગુડી પડવા એટલે કે ચૈત્ર સુદ 1 આ વર્ષે 6 એપ્રીલ, 2019 શનિવારના રોજ નયણા કોઠે લીમડાના પંચાંગના સેવનથી આરોગ્યમાં અનેરો ફાયદો થતો હોય છે. જેમ કે હેમંત, શીશીર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ ઋતુ વખતે સૃષ્ટિમાં અનેક ફેરફારો આવતા હોય છે અને આપણે જેમ એસી રૂમમાંથી બહાર નીકળીએ અને બહારનું વાતાવરણ બદલાઈ જતું હોય છે તે પ્રમાણે કેટલાક ઋતુ પરિવર્તનમાં અને નક્ષત્રના સંધીકાળે આપણા વડવાઓએ અગમચેતી વાપરીને કફ, પિત્ત અને વાતની વિકૃત અવસ્થાને સમ કરવા માટે અલગ અલગ ઔષધિ પ્રયોગો આપેલા છે. કેટલાક લોકો ચૈત્ર મહિનાના 15 દિવસ સુધી લેતા હોય છે, કેટલાક 1, 3, 5 એમ એકી સંખ્યામાં લેતા હોય છે પરંતુ હર્ડીકર દાદા કહેતા હતા કે એક જ દિવસ આ ઔષધ લેવું. કેમ કે વધારે પડતી કડવાશ લેવાથી નપુંસકતાનો ભય ઊભો થતો હોય છે. 


મૂળ મરાઠા ઘરાણાના વિશુદ્ધ બ્રાહ્મણ વિદ્વાન વૈદ્યરાજ શ્રી ભાષ્કરભાઈ હર્ડીકરજી કાયમ કહેતા કે, પડવા ને દિવસે લીમડાનું પંચાંગ લેવું જોઈએ. જેમાં લીમડાના પાંચ અંગો એટલે કે મૂળ, છાલ, પત્ર, મોર અને લિંબોડી સમ ભાગે લઈને તેની અંદર થોડું સિંધવ અને મરી ભેળવીને સૂંઠનું પ્રક્ષેપણ કરવામાં આવે તો સમગ્ર વર્ષ દરમ્યાન અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. 

આ વૈદ્યરાજ એટલા કુશળ હતા કે દૂત બનીને તમારા સગા-સંબંધીની દવા લેવા જાવ તો તમારી તાડી જોઈને દર્દીની દવા આપી શકે એને દૂત નાડી કહેવાય છે. અંદર ભૂત નાડી બોલતી હોય તો તે પણ તેઓ કહી આપતા. આ વિજ્ઞાન તેઓએ પોતાના કેટલાક શિષ્યોને વારસામાં આપેલું છે. 

જેઠ મહિનાના દર અઠવાડિયે એક વખત એમ કુલ 4 વખત એરંડભ્રષ્ટ હરીતકી લેવામાં આવે તો એટલે કે સારા વૈદ્યરાજ પાસે એરન્ડીયાના તેલમાં 7 વખત તળેલી હીમેજ લેવામાં આવે તો ઝીણો તાવ આવતો બંધ થઈ જાય છે. 


આવી જ રીતે કેરીની સીઝન પછી આદ્રા નક્ષત્ર આવે ત્યારે એક્ઝેટ એ જ સમયે આમલીના કચુકાના વજન જેટલી દેશી શુદ્ધ હિંગ, દેશી ગાયનું ઘી, થોડાક સિંધવ સાથે ચાટવામાં આવે તો માત્ર ચોમાસાના 4 મહિના વાયુના રોગો થતા નથી. આ વર્ષે તે જેઠ વદ 5, શનિવાર અંગ્રેજી તા. 22-06-2019 સાંજે 5:20 કલાકે બેસે છે. 

જૈનોમાં આદ્રા આવે પછી કેરીનો ત્યાગ થતો હોય છે કેમ કે તેમાં તે જ વર્ણના નરી આંખે ન દેખી શકાય તેવા અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જતા હોય છે. આદ્રા પછી કેરીનો સ્વાદ પણ બદલાઈ જતો હોય છે. 

ઔષધિના મર્મગ્ન શ્રી જ્ઞાનમૂર્તિ સરસ્વતી કહેતા હતા કે જામફળના વૃક્ષના સાડા ત્રણ પાન વણબોલ્યા સામેવાળાને આપે અને તે ચાવી જાય તો દાંતના કોઈપણ રોગ રહેતા નથી. હર્ડીકર દાદા જણાવતા હતા કે ગર્ભવતી સ્ત્રીઓને વેણ ઉપડે ત્યારે દર્ભના ઘાંસનું મૂળ નાભીની નીચે સ્પર્શ કર્યા વગર એન્ટીક્લોકવાઈઝ એટલે કે અવળા અવર્તથી ફેરવવામાં આવે તો ઓપરેશન વગર સહેલાઈથી ડિલિવરી થઈ જતી હોય છે. અધેડાના વૃક્ષનું મૂળ પણ અંબોડામાં ખોસી દેવાથી નોર્મલ ડિલિવરી થાય છે. જો કે ડિલિવરી થયા બાદ તરત જ માથામાંથી તે મૂળ દૂર કરી દેવું જોઈએ. પોતાના જ વાળની લટ મધ્યમાં એટલે કે વચલી આંગળીમાં બાંધીને ઉપરના તાળવામાં ઘસવાથી પણ સીઝેરીયનના જોખમમાંથી બહાર આવી શકાય છે. 

પારસ પીપળાના પાન ટૂંકા હોય છે. બીજો પીપળો ઉગાડી શકાય તેવો હોય છે. પરંતુ જે પીપળો પોતાની મેળે જ ઉગે છે તેના પાનની દાંડી લાંબી હોય છે અને તેની પૂછડી પણ લાંબી હોય છે. દાંડી અને પૂછડીની લંબાઈ લગભગ સરખી હોય છે તેવા પીપળાના લાંબા પાનવાળા વૃક્ષનું બે પાન તોડીને તેના દૂધના ટસીયા સાથે સાપ કરડનારના બંને કાન પાસે સ્પર્શ કરાવ્યા વગર રાખવાથી સાપનું ઝેર ઉતરી જતું હોય છે. પણ આ પ્રયોગ કરતી વખતે જેને સાપ કરડ્યો હોય તેના બંને હાથ-પગ મજબૂત માણસોએ પકડી રાખવા જરૂરી છે. કારણ એ સાપનું ઝેર ઉતરતી વખતે તેને સખત પીડા થશે તેથી તેની સ્થિર રાખવા પકડવાની જરૂર છે. જો ઝેરી સાપ ન કરડ્યો હોય અથવા ઝેર ન ચડ્યું હોય તો પીપળાના પાન આ રીતે રાખવાથી કોઈપણ પીડા થશે નહીં. પણ જો ઝેર ચડ્યું હશે તો જેમ જેમ ઝેર ઉતરતું જશે તેમ તેમ પીડા ઓછી થતી જશે અને છેલ્લે પીડા સંપૂર્ણ બંધ થઈ જશે. ત્યારે સમજવાનું કે ઝેર પુરેપૂરું ઉતરી ગયું. આ પ્રયોગ દરમિયાન પીપળાના પાનો ચીમળાઈ જાય અથવા કાળા પડી જાય એટલે તરત બદલીને પાન નવા લેવાના હોય છે. ગુજરાતના એક વિદ્વાન પ્રોફેસરે અનેક લોકોને આ પ્રયોગથી સાપનું ઝેર ઉતારેલું છે. 
ઔષધિ ગ્રહણમાં પણ મૂળિયાઓ બધા મૂળ નક્ષત્રમાં, શાખા-પ્રશાખાઓ વિશાખા નક્ષત્રમાં અને પુષ્પો બધા પુષ્ય નક્ષત્રમાં વિધિપૂર્વક ગ્રહણ કરવામાં આવતા હોય છે. ગ્રહણ કરવાના પૂર્વ દિવસે તે વૃક્ષોને નોતરું કે આમંત્રણની વિનંતી કરતા કેટલાક વિશિષ્ટ અનુષ્ઠાનો કર્યા પછી જો ઔષધિ ગ્રહણ કરવામાં આવે તો ઔષધિની અનેકવિધ રીતે તાકાત વધતી હોય છે. એક વખત રાત્રે ઔષધિ ગ્રહણ વખતે ખીર મુકતા અને સતત ચોકીપેરો હોવા છતાં સવારે તેમાંનું સંપૂર્ણ દૂધ અદ્રશ્ય થયું હતું અને માત્ર ચોખા રહ્યા હતા. 


ચોરો જ્યારે ચોરી કરવા જાય ત્યારે પંખીઓની સાંકેતીક ભાષા તેમના નાના બાળકો પણ ઉકેલીને ચોરી કરવા જતા હોય છે. જેમ કે આજે માલ મળશે કે નહીં મળે કે ધોલધપાટનો માર મળશે કે નહીં તેની આગોતરી જાણ વડના વૃક્ષમાંથી બનાવેલ વિશિષ્ટ ઔષધિ દ્વારા થઈ જતી હોય છે. ચોરોના સરદારે એક વખત એક સંતપુરુષ પાસે આ કબૂલાત કરી હતી કે વૈશાખ સુદ 3 ને દિવસે અમે ગાઢ જંગલમાં વડના વૃક્ષ ઉપર એક માટલું બાંધતા હોઈએ છીએ અને બરાબર એની નીચે જમીન ઉપર એક અડધું તૂટેલું માટલું મુકતા હોઈએ છીએ. ઉપરના માટલામાં એક નાનકડું છીદ્ર પાડવા દ્વારા ધીમે ધીમે નીચેના માટલામાં પાણી ટપક ટપક પડતું હોય છે. ગાઢ જંગલમાં અનેક પશુ પંખીઓ આ પાણીને બોટે છે. વડના વૃક્ષમાંથી પડતી ઝાંકળ કે વરસાદ આદિનું પાણી પણ આ નીચેના માટલામાં પડે છે અને સિંહ, વાઘ, વરુ સહિત સાપ, ચકલી કે કબૂતર પણ આ પાણી પીવા માટે આવે છે. બરાબર એક વર્ષ પછી અમારા નસીબ બળીયા હોય તો હિંસક પશુઓથી બચતા બચતા અમે ગાઢ જંગલમાં એ માટલા પાસે જઈને જો એમાં કોઈ પાણી બચ્યું હોય તે લેતા આવીએ છીએ અને અને અમારા ઘરમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ગળથુંથીમાં આ પાણી પીવડાવીએ છીએ જેથી તે બાળકને સહજ પશુ-પંખીની આ સાંકેતિક ભાષા આવડી જાય છે. અક્ષય તૃતિયા અને વડના વૃક્ષની આવી જુગલબંધી અલૌકિક છે. 


આવો આવા અનેકવિધ પ્રયોગોને પુનર્જીવિત કરીએ અને આયુર્વેદની ખોવાયેલી પ્રતિષ્ઠાને પુન: પ્રસ્થાપિત કરીએ. આયુર્વેદમાં આવા અન્ય પ્રયોગોની કોઈને જાણકારી હોય તો મોબાઈલ નં. 9324470054 પર લેખકને વોટ્સ એપથી જણાવવા વાચકોને ખાસ નમ્ર વિનંતી છે. 


લી. અતુલકુમાર વ્રજલાલ શાહ (સી.એ.)ના પ્રણામ.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.