અસ્તિત્વનો આયનો – ચિરાગ પટેલ

અસ્તિત્વનો આયનો – ચિરાગ પટેલ

ઘનઘોર વાદળો. કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.
શીતળતા બક્ષતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.
ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધૂમકેતુઓના ધૂમ્રસેરો નો પડાવ.
મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહિયા કરતા કૃશ્ણ-વિવરો.
શક્તિનો મહાવિસ્ફોટ કરતા શ્વેત-વિવરો.
ગુરુત્વાકર્શણની ચાદરથી બન્ધાયેલુ વિશ્વ.
શૂન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉશ્ણતા.
વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.
અફાટ અને વિરાન એકલતામા અસ્તિત્વનો આભાસ.
દૂર-સુદૂર સમ્ભળાતો ચિર-પરીચિત શાશ્વત શાંતિનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મિઓનુ દોલન.
મન વગર દેખાતો અસ્તિત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
સમજણ અને સંગાથ વગર કપાતો પંથ.
એકાએક આવેશની આવ્રુત્તિ અને સમય થમ્ભી ગયો.

* * *
પક્ષીઓના પરોઢીયે ગવાતા પ્રભાતિયા મારા કલ્પના-વિશ્વને હચમચાવતા નવી ઉચાઇઓ સર કરતા જાય છે. આજની તારીખ શું થયી એ વિચારતો હું ઉંઘમાથી મારા આત્મા ને ખેંચીને બેઠો થયી ગયો. અરે આજે તો 18 ફેબ્રુઆરી થયી! આજના દિવસે જ ઇ.પૂ. 3251 મા સહુનો વહાલો કાનુડો આ પ્રુથ્વિ છોડીને ઈહલોકમા ગત્વાંવિત થયો હતો. એને યાદ કરતો અને “વસુદેવ સૂતમ દેવમ” ગાતો હું આ શરીર ને સ્નાનાદિ કર્મથી સ્વછ્છ કરવાનો પ્રયત્ન કરી રહ્યો. વાળને સમારતી વખતે એકાએક મને અરીસામા પ્રકાશનો ગાઢ પૂંજ રેલાતો દેખાયો. શું હશે એ? કોઇ પરલૌકિક અનુભવ? કોઇ સિધ્ધ આત્માની ઝાંખી? કે પછી મારુ પોતાનુ અસ્તિત્વ જ બોલતું હતું એ રુપે? જો એવું જ હોય તો એ શું કહેવા માંગતુ હતું? ઇશ્વરનું એ સંકેતથી શું કહેવાનુ પ્રયોજન હતું? શું હું સ્વત્વના સાક્સાત્કારને બદલે સ્વત્વના અસ્તિત્વનું પ્રયોજન સમજી શકીશ? ગમે તેમ હું તૈયાર થયીને નાસ્તો કરવા બેઠો. ફટાફટ બધું પતાવીને હું ઓફિસ જવા નીકળ્યો.

ઓફિસમા પ્રવેશ કરતાં જ પ્રફુલ્લિત વાતાવરણની લહેરખી મને વીંટળાઇ વળી. શાશ્વત- જીવનસંગીતનું મીઠું ગાન સ્વરાંજલિ રુપે ખળ-ખળ વહી રહ્યું હતું. પ્યારી અને મીઠડી સ્વરાંજલિ મારા અસ્તિત્વનો અલગારી અને પ્રગલ્ભ સેતુ હતો દુન્યવી પ્રયાસોનો. હા, તે મારો પ્યાર હતી અને મારા પ્રેમાંકુરોને પ્રજ્વલિત કરતી દેવી હતી.

“અનિક! રાજાની સવારી ક્યાં ચાલી?””સુરુરાણી, નવી રાણી આણવા.””રાજા કેટ-કેટલી રાણીઓ ને સાચવી શકશે? રુરુરાણીને તો આ ઓફિસ સાચવે છે!””એ જ તો રાજાની સમજદારી છે. બધા વ્યવસ્થાપકો બહુ કાબેલ છે ને?””અનિક, ચાલ મજાક છોડ. જો, તારા ડેસ્ક પર આજના કામની યાદી મુકી દીધી છે.””આભાર, સુરુરાણી.””અત્યારે તો સુરુ રાણી નથી પણ દાસી છે.” પાછુ એ જ મર્માળુ સ્મિત રેલાયુ.”આવુ સ્મિત ના રેલાવશો, એ સ્મિત તો જાનલેવા છે;પણ શું કરું, મારા દર્દેદિલની એ જ તો એક દવા છે.””આઇ લવ યુ, વ્હાલા અનિક. તારા શેર પર તો જાન કુરબાન.””કેમ? મારા પર જાન કુરબાન નહિ?””લુચ્ચા, જા હવે. કામ કર.”
હું સ્વરાંજલિ ની રાગિણીઓમાંથી ભાગીને પાછો કાર્ય-સમાધિમા પરોવાયો. કામની યાદીમા ખાસ કાઇ ન હતુ. કમ્પ્યુટર તરફ વળીને હુંઇ-મેલ તપાસવા બેઠો. Space.com ના ન્યુઝલેટરમાં એક આકાશી ઘટનાનો નિર્દેશ હતો. આજે રેવતી નક્શત્રમા સાત ગ્રહોની યુતિ હતી. રેવતી એટલે Zeta Piscium નક્શત્ર કે જેમા સાત ગ્રહોની યુતી વર્શો પહેલા થઇ હતી ત્યારે ક્રુશ્ણ ભગવાને દેહત્યાગ કર્યો હતો. વાહ, ફરી એ જ ખગોળીય ઘટના આજે હતી, અને એ પણ યોગાનુયોગ 18 ફેબ્રુઆરી ના દિવસે જ. શું આજે કોઇ આધ્યાત્મિક ઘટના થયી હતી કે થવાની હતી? મે સ્વને ઓમકારના સમુદ્રમા ભેળવ્યો અને દેહને કામમા પરોવ્યો.

* * *

“જાય છે એ માર્ગનો પતો કદી દેતા નથી અને અજાણ્યા આપણે ક્યાથી જવુ એ રાહ ઉપર.””પપ્પા, તમે અમ્રુત ઘાયલને કેમ યાદ કર્યા? શું મમ્મીની ફરી યાદ આવી?”
“યાદોનો ખારોપાટ છે મારા દરિયાવદિલમા,
એ જ તો શેર રુપી મોતી પકવે છે મારા નયણામા.””વાહ પપ્પા, વાહ. તમારા શેર ખરેખર જીવન-દગ્ધમાથી દોહન કરેલ નવનીત છે. પણ, પપ્પા, શું થયું? આજે કેમ મમ્મી આટલી બધી યાદ આવે છે?””સુરિલી, બેટા, મારી સુરુરાણી જ્યારે જ્યારે આત્માની અંદર આવીને રમમાણ કરે છે અને એની રાગિણી રેલાય છે ત્યારે જ મારામા આવુ સંગીત રેલાય છે.”
“મિ. અનિક વ્રુન્દ તપસ્વી, મારી મા સ્વરાંજલિ કેવી હતી એની કોઇ વાત કરોને. તમે એકલા જ એનો રસથાળ પીઓ છે એ ઠીક નથી. મને પણ એની યાદો નુ રસપાન કરવા દો.”
“સુરુકુંવરી, એની તો ઘણી ઘણી વાતો થયી ગયી છે. આજે તો પથિકના કવનનું સંગીત રેલાવ.”
“પપ્પા, તમે પણ શું? એના કેટલા વખાણ કરું?””એની કોઇ ખામીની વાત કર.””અનામા કોઇ ખામી જ નથી. પણ, ખબર નહી કેમ પણ ક્યારેક એવુ-એવુ બોલે છે કે મને ડર લાગે છે.””શું બોલે છે?””કોઇ વાર અસ્તિત્વ, હિમાલય, યોગી વગેરે-વગેરે વાતો કરે છે.””તો એમા વાંધો શો છે? આ બાબતો દર્શાવે છે કે પથિક આધ્યાત્મિક છે અને ઉન્નતિ તરફ દ્રશ્ટિ ધરાવે છે.””પપ્પા, તમને વાંધો ના હોય. મને તો હોય ને?””જો સુરિલી, આત્માની ઉન્નતિ ના પથ પર ચાલનાર દરેક પલાયનવાદી ના હોય. પથિક તારો સ્વીકાર કરવાનો છે અને બધી સાંસારિક જવાબદારી નિભાવે એવો છે, પછી વ્યર્થ ચિંતા નહી કરવાની.”

* * *
લવ. એ જ ગૌરવર્ણ. એવું જ હિરણ્મય લલાટ. એ જ પ્રગલ્ભ સ્મિત. આહા, એવી જ મુખલાલિમા. એવું જ ખિલખિલાટ હાસ્ય. એવું જ સુરિલું રુદન. એવો જ ભવ્ય દેખાવ. શું, સ્વરાંજલિ આજે લવ પથિક મહેતા સ્વરુપે અવતરિત થયી છે? દરેકનો એવો જ અભિપ્રાય હતો. સુરિલી પોતાના પુત્રસ્વરુપે પોતાની અંશદાતાને ભાળીને જાણે એને નિહાળવામા તલ્લિન થયી ગયી હતી. પથિક નો તો ઉત્સાહ જાણે દરેકને નવિન વિશ્વ તરફ દોરી જતો હતો. મને તો મારુ અસ્તિત્વ સાર્તક થયેલુ જણાયું. બસ, હવે તો મારા એકલ જીવનને નવી સ્રુષ્ટિ મળી ગયી.
લવની લાલન-પાલનની જવાબદારી ઘણે અંશે મે જ ઉઠાવી લીધી હતી. પથિક અને સુરિલી એમની સાંસારિક સ્રુષ્ટિમા ઘણી અંશે સંતુષ્ટ હતા અને કારકિર્દીની દ્રષ્ટિએ પણ આનન્દિત હતા. મને તો જાણે મારી સુરુરાણી નવા સ્વરુપે પ્રાપ્ત થયી હતી. જીવન હવે એવા મુકામે આવી પહોંચવાની તૈયારીમા હતુ કે જે મને શાશ્વત શાંતિ બક્શવાનુ હતુ. પણ ત્યા કેવી રીતે પહોંચાશે એના વિશે હજી સુધી કોઇ પ્રકાશ દેખાયો નહતો. કદાચ મારે ત્યા પહોચવા માટે નવો જન્મ પણ લેવો પડે. કદાચ.

* * *
“દાદારાજા. મને ચાંદો લાવી આપો.””લવ બેટા. હું કેવી રીતે લાવુ. એ તો કેટલો દૂર છે, અને હું ત્યા પહોચુ તો પણ એને કેવી રીતે લાવી શકું? મારામા એટલી શક્તિ નથી.””દાદારાજા, તમે જ કહેતા હતા કે આપણે ધારીએ તે કરી શકીયે.”
“બેટા, મારામા તો એ ધારવાની પણ શક્તિ નથી.””જુઓ હું એને લાવી બતાવુ.”લવ એનુ ટેલિસ્કોપ લઇ આવ્યો અને મને ચાંદો બતાવ્યો.”જોયું દાદારાજા. ચાંદો આપણી પાસે આવી ગયો.”
“હા બેટા, હા. હવે કહે. મા ક્યાં છે.””કયી મા?””તારી મમ્મી.””મારી મમ્મી આ રહી. અને બધાની મમ્મી પણ આ રહી.””બધાની મમ્મી?””દાદારાજા. કેમ ભૂલી જાવ છો? અંબામા એટલે બધાની મા. એ પણ આ રહી.”હું, સુરિલી અને પથિક આજુબાજુ જોવા લાગ્યા. લવ ખડખડાટ હાસ્ય રેલાવવા લાગ્યો. મને એનુ હાસ્ય માર્મિક લાગ્યુ. મને ત્યારેજ એક શેર યાદ આવ્યો. કોની પંક્તિ છે એ તો હવે યાદ નથી. પણ મે લલકાર્યુ,”જ્યા જ્યા નજર મારી ઠરે, યાદી ભરી ત્યા આપની.”
અને લવ ફરી મર્માળુ બોલ્યો,”દાદારાજાની સવારી ક્યા જશે?”મને 18 ફેબ્રુઆરીનો દિવસ યાદ આવી ગયો. મારી સુરુરાણી સાથેનો સંવાદ યાદ આવી ગયો. જાણે હવે જ પ્રકાશનો આવિર્ભાવ થયો, અને શાશ્વત શાતિની શોધનો અભ્યુદય થયો. હવે તો મને પુરેપુરી ખાત્રી થયી ગયી કે લવ રુપે મારી સ્વરાંજલિ જ છે. અને મને સંતોષ પણ હતો કે સુરિલીને માની ખોટ હવે નહિ લાગે. મારુ સાંસારિક કર્તવ્ય પુરુ થયુ જાણે.
* * *
દેવપ્રયાગનો દશરથાનંદ પર્વત મારી ઉચ્ચતમ સાધનાને પોતાના ગૌરવાંવિત શિખર વડે ઉચ્ચતર બનાવતો હતો. અહર્નિશ ચાલતા મારા ભક્તિ-યગ્ન વડે પુલકિત થતા પ્રેમીજનો મારા અવશેષને પણ શૂન્યતા બક્શતા હતા. કોઇવાર લવ, પથિક, સુરિલી પણ મળવા આવી જતા. શુધ્ધ-સ્વનો સ્વામિ એવો હુ હવે એમને સાક્ષીભાવે નિહાળી શકતો હતો. એમને મારા સાન્નિધ્યમા આનંદ આવતો હતો. હવે તો સાધનાની કક્ષા એવી હતી કે હુ ચાહુ ત્યારે અને ચાહુ એ સ્વરુપે મહત-તત્વ અનુભવી શકતો હતો. શું આ જ મારા અસ્તિત્વનો આખરી પડાવ હતો. જેની જાણ હવે થવાની હતી એની આછેરી-શી ઝલક તો મને વર્શો પહેલા 18 ફેબ્રુઆરીના દિવસે મળી ચૂકી જ હતીને? રેવતી નક્ષત્રના સાત ગ્રહોની યુતિ જે પ્રકાશના પંથને અજવાળતી હતી એનો જ પરિપાક હું છુ ને. શું હું ઇશ્વરનો અવતાર છુ? શુ મારા દ્વારા માનવજાત જે રહસ્ય પામી છે એ જ મારો અવતાર-ઉદ્દેશ્ય હતો? શું કલ્કિ-અવતાર આ જ દેહમા વસે છે? શું હવે માનવજાત એક નવી ઉચાઇ પર પહોચી છે? કદાચ.

* * *
ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.
શીતળતા બક્ષતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.
ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધૂમકેતુઓના ધૂમ્રસેરો નો પડાવ.
મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહિયા કરતા કૃશ્ણ-વિવરો.
શક્તિનો મહાવિસ્ફોટ કરતા શ્વેત-વિવરો.
ગુરુત્વાકર્શણની ચાદરથી બન્ધાયેલુ વિશ્વ.
શૂન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉશ્ણતા.
વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.
અફાટ અને વિરાન એકલતામા અસ્તિત્વનો આભાસ.
દૂર-સુદૂર સમ્ભળાતો ચિર-પરીચિત શાશ્વત શાંતિનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મિઓનુ દોલન.
મન વગર દેખાતો અસ્તિત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
એક વિશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.
એ અગ્નિશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનિનુ શમન.
“અનિક” નામના એક સિધ્ધ, સંત કે અવતારનો ઉદ્ભવ અને ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *