58,000 ની વસ્તીવાળા, એક નાનકડા શહેરના
પુસ્તકાલયના બાળકો માટેના વીભાગમાંથી મળેલા,
જીવંત લાગે તેવાં ચીત્રોથી સભર
પુસ્તકનો અતી સુક્ષ્મ સંક્ષેપ
—————————————————–
ઈ.સ. 1859માં, સેન્ટ લુઈ શહેરમાં, મીસીસીપી નદીના કાંઠે, સુકાયેલી માછલીઓના પીપના પીપ અને રુની ગાંસડીઓના ઢગલે ઢગલા ખડકાયેલા હતા. ઉત્તર અને દક્ષીણ પુર્વના પ્રદેશોમાંથી હોડીઓમાં ભરી ભરીને આ સામાન લાવવામાં આવ્યો હતો.
આ બધો સામાન બંધ ગાડાંઓમાં ભરી ભરીને પશ્ચીમ તરફ રવાના થવાનો હતો. રોકી માઉન્ટનની તળેટીના પ્રદેશ કોલોરાડોમાં સોનું મળી આવ્યાના ખબર આવ્યા હતા. બધાંને ચપટીમાં માલેતુજાર બની જવાની રઢ લાગી હતી.
પોતાને તેમની સાથે આવવા દેવા, 57 વરસની ક્લેરા સાવ અજાણ્યા લોકોને વીનવી રહી હતી. કોઈ તૈયાર થતું ન હતું. તે બધાંના કપડાં ધોવા અને ખાવાનું બનાવવાનું કામ કરવા તૈયાર હતી. એક કાળી, વૃધ્ધ, ગુલામ સ્ત્રીને કોણ આશરો આપે? 1856માં કાયદેસર સ્વતંત્ર બન્યાના કાગળો પણ ક્લેરા બધાંને બતાવતી હતી. પણ કોઈના હૃદયમાં રામ વસતા ન હતા.
છેવટે એક કાફલાનો નાયક કર્નલ વેડ્સવર્થ આ જોખમને સાથે લેવા તૈયાર થયો. સફરના થાકમાં આ બધી કામની જફા વહોરવા કરતાં, આવી મફતીયા અને ગરજવાન મજુરણ મળતી હોય; તો એ ખોટનો ધંધો ન હતો! તેને માત્ર રક્ષણ અને સથવારો જ આપવાનો હતો ને? એ ક્યાં ગાડાંમાં બેસવાની હતી? 680 માઈલના આખા રસ્તે એ તો ચાલતી જ આવવાની હતી ને? અને રાતેય ગાડાંની નીચે જ સુઈ જવાની હતી ને?
અને આમ પોતાની મીત્ર બેકી ઝોન્સનને અલવીદા કહી; એ કાફલાની સાથે ક્લેરા બ્રાઉન કોલોરાડો જવા ઉપડી. આમ તો તે બધાંને એમ જ કહેતી હતી કે, ત્યાં જઈ આમ જ મજુરી કુટી તે પૈસાદાર થઈ જવાના ખ્વાબ સેવતી હતી.
પણ તેની અંદર વસેલો, માનો જીવ, 23 વરસ પહેલાં, કેન્ટકીમાં, માત્ર દસ જ વરસની, પોતાનાથી છુટી પડેલી, વ્હાલસોયી દીકરી, એલીઝાને શોધી કાઢવા ટટળતો હતો. એની આંખો આંસુથી ભરાયેલી હતી. એ દીકરીય હવે 33 વરસની થઈ ગઈ હશે. એને પોતે ઓળખી શકશે કે કેમ; એની પણ એને ખબર ન હતી.
એમના માલીકે તેને વેચી દીધી હતી. છુટાં પડતાં લીલામખાનાના જાલીમે, મા-દીકરીને ભેટવાં પણ દીધાં ન હતાં. સ્વતંત્ર થયા બાદ તે બધાંને પોતાની દીકરીના વાવડ પુછતી રહેતી હતી. પણ ક્યાંયથી ગજ વળતો ન હતો. એને મનમાં એમ ઉગી નીકળ્યું હતું કે. કદાચ સોનું મેળવવાની લાહ્યમાં ધાડેધાડાં કોલોરાડો તરફ ઉમટતા હતા, એમાં એલીઝાનો માલીક એને સાથે લઈ ગયો હોય.
ક્લેરાના જીવનની એક જ આરઝુ હતી. બસ! એક જ વાર એલીઝાનું મોં જોવા મળી જાય!
આખે રસ્તે એને તો ચાલતાં જ રહેવાનું હતું. ગાડાંમાં કાળી સ્ત્રીને કોણ બેસાડે? બપોરે અને સાંજે સફરના અંતે ગાડાંઓમાં બેઠેલાં બધાં સફરનો થાક ઉતારતા હોય ત્યારે ક્લેરા સૌને માટે ખાવાનું બનાવતી અને ગંદાં કપડાં ધોઈ નાંખતી. આખું જીવન કાળી ગુલામી કર્યું હતું, એટલે આ કામ તેને માટે મુશ્કેલ ન હતું. બધું પરવારી, મોડી રાતે, થાકી પાકી, ગાડાંની નીચે તે સુઈ જતી. સફરના અંતે દીકરી મળી જવાની આશા એના અંગે અંગમાં પ્રાણ પુરતી હતી.
જો બધાંને ખબર પડી જાય કે, ક્લેરાની મા કાળી ન હતી, પણ અમેરીકાની મુળ ચરોકી સ્ત્રી હતી; તો તો એના બાર જ વાગી જાય. એટલું બધું વેર અને ઝેર આ ધોળીયાંઓને એ ગરીબ અને અબુધ આદીવાસી પ્રજા માટે હતું.
છેવટે .. જુન મહીનામાં કાફલો ડેનવર પહોંચ્યો. પણ સોનું મળતું હતું તે જગ્યા - સેન્ટ્રલ સીટી – તો હજુ 40 માઈલ દુર છેક પર્વત ઉપર હતી. એટલે ઉંચે ચઢવાના હામ ક્લેરામાં ન હતા. એની પાસે કોચમાં બેસવાના ફદીયાં હતાં; પણ કાળી સ્ત્રીને કોચમાં બેસવા દેવાનો રીવાજ ન હતો. કોણ એની બાજુમાં બેસે? કોચવાનની નોકરડીનો વેશ ધરી, એ આગળ એના પગ પાસે બેઠી અને છેવટના મુકામે પહોંચી.
ત્યાં માત્ર નવ જ કાળી સ્ત્રીઓ હતી. અને એમાંની કોઈ એલીઝા ન હતી.
એણે બેળે બેળે, મન મનાવી લોન્ડ્રીનો ધંધો ચાલુ કર્યો. એક કપડાંના પચાસ સેન્ટ. એ જમાનામાં એટલી રકમમાં પાંચ બ્રેડ મળતી. એનો ધંધો ધમધોકાર ચાલ્યો. સેન્ટ લુઈના માણસો અને પ્રવૃત્તીથી ધમધમતા કાંઠાના પ્રમાણમાં અહીં શાંતી હોવી જોઈતી હતી. પણ સોનાની માલીકી અને ચોરીના ઝગડામાં અહીં ગોળીઓ અને ખુનામરકી સાવ સામાન્ય હતાં. દીકરી ન મળ્યાના દુખને અવગણી, ક્લેરા ઘવાયેલાંને મલમપટ્ટા કરતી.
બહુ જલદી એ એન્ટ ક્લેરા તરીકે સૌની માનીતી બની ગઈ. એને મળેલી રકમનો ફાયદાકારક ઉપયોગ કરવાનું પણ આવડી ગયું. એ જમાનામાં ત્યાં બહુ સસ્તામાં જમીનો મળતી. ડેનવર, બોલ્ડર અને ઈડાહો સ્પ્રીન્ગમાં તેણે જમીનો પણ ખરીદી. એ હવે પૈસાદાર બનવા લાગી હતી. 1865 ની સાલમાં તો તે એક આબરુદાર અને જાણીતી સન્નારી બની ગઈ હતી.
પણ એના દીલને ક્યાં કરાર હતો? એની એલીઝા ક્યાં હતી? હવે તો અમેરીકાનો ભીષણ આંતર વીગ્રહ પણ પતી ગયો હતો. બધાં ગુલામો હવે આઝાદ હતાં. ક્લેરાએ ફરી હામ ભીડી. લોન્ડ્રીનો ધંધો સમેટી લઈ, તે કેન્ટકી જવા નીકળી. એ લાંબી સફર ફરી કોચવાનની નોકરડીના વેશમાં એણે પસાર કરી. હજુ કોચમાં ધોળી સ્ત્રીઓ સાથે એક કાળીને બેસવા દેવાની માનવતા પાંગરી ન હતી.
પણ કેન્ટકીમાં કાળા લોકોની હાલત તો ગુલામીથી પણ બદતરહતી. બધાં ખેતરો યુધ્ધમાં માર્યા ગયેલા માલીકો વગર ભેંકાર પડ્યા હતા. કોઈને માટે કામ ન હતું. રહેવાનું છાપરુંય એ બદનસીબો માટે ક્યાં હતું? બધાં સરકારી તંબુમાં ભીખારીઓની જેમ રહેતાં હતાં. ક્લેરા તંબુએ તંબુએ અને એક ગામથી બીજે ગામ, ગાંડાની જેમ ભટકવા લાગી.
ક્યાંય એલીઝા જેનની વ્હાલસોયી આંખો નજરે ચઢી જાય છે?
ભગ્નહૃદયે ક્લેરાએ બધી આશા બાજુએ મુકી દીધી. તેણે પોતાની બધી મીલ્કત ગરીબ કાળાંઓ માટે લુંટાવી દીધી. અનેક બેસહારા લોકોની તે મા બની. એનું કુટુમ્બ હવે સેંકડો વ્યક્તીઓનું બની ગયું. કોલોરાડો જવા માટે, આવાં 26 જણનો કાફલો હવે તેણે ઉપાડ્યો. બધાં વેગનમાં બેસીને – કોઈ ચાલતું નહીં. પશ્ચીમમાં સૌને માટે કામ હતું; સમૃધ્ધીની આશા હતી; નવા જીવનનાં સપનાં હતાં.
પણ ક્લેરાના અંતરના ખુણે, ઉંડો જખમ હજુ સળવળતો હતો. બસ! છેલા શ્વાસ છુટે, એ પહેલાં એની એલીઝાના દીદાર થઈ જાય.
પણ ક્લેરા પાછી ગરીબ બની ગઈ હતી. એની જમીન, જાગીર, પૈસો બધાં ચાલી ગયાં હતાં. બેઈમાન લોકોએ એને છેતરી હતી. એના પગ અને હાથમાં પણ હવે તાકાત ક્યાં હતી? કોલોરાડો રાજ્યમાં 1865 પહેલાં આવનાર વસાહતીઓને પેન્શન આપવામાં હતું. પણ તે ધોળા પુરુષોને જ. ક્લેરાને કોણ ગણે?
પણ ધીમે ધીમે અમેરીકામાં અખબારી અને સામાજીક જાગરુકતા આવતી જતી હતી. અખબારોએ ‘એન્ટ ક્લેરા’ માટે કાગારોળ મચાવી દીધો. નાગરીકોએ ટાઉનહોલમાં તેને માટે અપીલો કરતાં ભાષણો કર્યાં. છેવટે, પાયોનીયર તરીકે ક્લેરાએ કરેલી સેવાઓ અને પ્રચંડ પુરુષાર્થને લક્ષ્યમાં રાખી; કાયદો બદલવામાં આવ્યો અને તેને પેન્શન મળતું ચાલુ થયું. એના જીવન ગુજારાનો પ્રશ્ન ઉકલ્યો.
પણ એલીઝા ક્યાં?
માર્ચ, 1883
હવે ક્લેરા 80 વરસની થઈ ગઈ હતી. એની આંખે માંડ વંચાતું. એક દીવસ એની જુની મીત્ર બેકીનો કાગળ આવ્યો. ક્લેરાએ ચુંચી આંખે તે વાંચ્યો. તે માની ન શકી. તેણે પોતાના સાથળ પર ચુંટીયો ખણ્યો. તે જાગે છે કે, સપનું જુએ છે? ન માની શકાય તેવી વાત બેકીએ લખી હતી. બેકી એલીઝા જેનને મળી હતી. આયોવા રાજ્યના ‘ કાઉન્સીલ બ્લફ’ ગામ ખાતે.
ડગમગતા પગે ક્લેરા ઉપડી. હવે તો ટ્રેન ચાલુ થઈ ગઈ હતી – તેમાં સવાર થઈને. ક્લેરાની નજર સમક્ષ 50 વરસ પહેલાંનું એ દ્રશ્ય તરવરતું હતું, ગુલાબી ફ્રોક પહેરેલી, પરી જેવી, એની એલીઝાને જાલીમોએ વેચી નાંખી હતી. ખેતરના સામાન અને હથીયારોના ખડકલાની ઉપર માલસામાનની જેમ એને પણ ખડકીને દુર દુર લઈ જવામાં આવી હતી.
ક્લેરા ટ્રેનમાંથી નીચે ઉતરી. એક ટ્રોલીમાં બેસી, ધડકતા હૈયે બે નમ્બરની ગલીના નાકે ઉતરી. રસ્તા પરના સ્લીટ( થીજેલો બરફ) ઉપર બેળે બેળે પગ ટેકવતી, ચુંચી આંખે તે આગળ વધી.
દુર એક ઘરના આંગણામાં 57 વરસની એક ઉંચી અને કાળી બાઈ ઉભી હતી. એક એક ડગલું કરતાં ક્લેરા આગળ વધી . ક્લેરાને આવતી જોઈ, પેલી બાઈ તેના તરફ દોડતી આવી. બન્નેએ આંખમાં આંખ મીલાવી.
એ જ ન ભુલી શકાય તેવી નજર. એ જ એની પરીની ભુખરી આંખો! એ જ એના સમગ્ર આયખાંની એકમાત્ર આરજુ.
મા દીકરી ભેટ્યાં અને ચોધાર આંસુએ રડ્યાં. એક માની કકળેલી આંતરડી ઠરી હતી. દીકરી અને તેની પણ દીકરી સાથે ‘આન્ટ ક્લેરા બ્રાઉન’ ડેનવર પહોંચી; ત્યારે પાયોનીયર એસોસીયેશને એમના માનમાં ભોજન સમારંભ યોજ્યો હતો. વ્હીલચેરમાં બેસેલી ક્લેરાને પાયોનીયર એવોર્ડ આપતી વખતે એના ડાબા પડખે એલીઝા અને જમણા પડખે એલીઝાની જુવાન દીકરી હતાં.
બે મહીના પછી, ધરતી પરનો એક ઝલળહળતો સીતારો, એક અપ્રતીમ ફરીશ્તો, તારાઓની વચ્ચે પોતાનું યથાયોગ્ય સ્થાન લેવા કોલોરાડોના આકાશમાં ઉત્તુંગ ‘ રોકી પર્વત ‘ થી ઘણે ઉપર ઉડ્યો હતો.
———————-
વીગતે વાંચો
આ સત્યકથા વાંચતાં મારી આંખો દડ દડ આંસુથી ભરાઈ ગઈ હતી. ‘મા’ નું હૃદય કેવું હોય; તેની આ કથા આપણને પ્રતીતી કરાવી જાય છે. ‘મા’ ના એ ભાવને કોઈ જાતી કે દેશ નથી, ધર્મ, રુપ કે રંગ નથી.
એ કેવળ એક મા છે. જો ઈશ્વર હોય તો તે આન્ટ ક્લેરા બ્રાઉન જેવો હોવો જોઈએ.
વાચકોના પ્રતીભાવ